
કરમસદમાં સંત જોન મેરી વિયાનીના તહેવારની ઉજવણી
August 8, 2025
ધર્માધ્યક્ષ રત્નસ્વામીની કરમસદ વિભાગની મુલાકાત
August 22, 2025તારીખ ૧૦ ઓગસ્ટ ૨૦૨૫, રવિવારના રોજ સેન્ટ જોસેફ કેથોલિક ચર્ચના નેજા હેઠળ, સેન્ટ જોસેફ મહિલા પાંખ, કરમસદ દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. સેમિનારનો વિષય "ધર્મસભામાં મહિલાઓનું યોગદાન" રાખવામાં આવ્યો હતો, જે આજના સમયમાં મહિલાઓની સક્રિય ભૂમિકા, તેમની પ્રતિભા અને સેવા ભાવનાને ઉજાગર કરતો હતો.
આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે શ્રીમતી પ્રીતિબેન રાઠોડ અને શૈલેષભાઈ રાઠોડ હાજર રહ્યા હતા. બંને વક્તાઓએ તેમની આગવી અને પ્રભાવશાળી શૈલીમાં વક્તવ્ય આપીને મહિલાઓમાં ચર્ચ અને ધર્મસભા માટે જાગૃતિ લાવી. એમના શબ્દોએ બહેનોને પ્રેરણા આપી કે તેઓ પોતાના સમય, કૌશલ્ય અને શ્રદ્ધાનો ઉપયોગ કરીને ચર્ચની સેવા અને સમુદાયના વિકાસમાં સક્રિય યોગદાન આપે.
કાર્યક્રમ મહિલા પાંખ કરમસદના પ્રમુખ સિસ્ટર ઈન્દિરાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તમામ પ્રતિનિધિ બહેનોના સહકાર અને એકજૂટ પ્રયત્નોથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. બહેનોનો ઉત્સાહ અને ભાગીદારી અભૂતપૂર્વ હતી – દરેકે રસપૂર્વક ચર્ચામાં ભાગ લીધો અને પોતાના વિચારો વ્યક્ત કર્યા.
ફાધર ટોનીએ બહેનોને નિયમિત રીતે ચર્ચમાં હાજરી આપવા, ધર્મસભામાં ભાગ લેવા અને આધ્યાત્મિક જીવનને વધુ સમૃદ્ધ બનાવવાના સંદેશ સાથે પ્રોત્સાહન આપ્યું. સેમિનારમાં આશરે ૨૧૫ બહેનોની હાજરી નોંધાઈ, જે કાર્યક્રમની લોકપ્રિયતા અને મહત્વને દર્શાવે છે.
કાર્યક્રમના અંતે આભારવિધિ યોજાઈ, જેમાં તમામ મહેમાનો, વક્તાઓ અને આયોજનમાં સહભાગી થયેલ તમામનો આભાર માનવામાં આવ્યો. અંતે પ્રીતિ ભોજનનો આસ્વાદ લઈ સૌ બહેનો આનંદપૂર્વક પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. એકંદરે, આ સેમિનાર દરેકના સહયોગ અને શ્રદ્ધાથી ખૂબ જ સફળ રહ્યો અને મહિલાઓના યોગદાનને વધુ મજબૂત કરવા માટે પ્રેરણાનું સ્ત્રોત સાબિત થયો.




